બે દિવસ અમદાવાદના- IPLની ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવૂડનો જલવો જોવા મળશે, રણવીર સિંહ, આમિર ખાન સહિત 300 કલાકારો પરફોર્મ કરશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બોલિવૂડના કલાકાર રણવીર સિંહ, આમિર ખાન અને એ આર રહેમાન હાજર રહે તેવી શક્યતા છે, IPLની ફાઇનલ માટે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં જબરજસ્ત ક્રેઝ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફાઈનલની ટિકિટ મેળવવા માટેની દોડધામની સાથોસાથ હોટલ બૂકિંગ અને ફલાઇટ બૂકિંગમાં પણ મોટો વધારો થયો છે.

મેચ પૂર્વે 50 મિનિટની ક્લોઝિંગ સેરેમની
IPLની ગ્રાન્ડ ફાઈનલ આગામી તા.29મીએ પ્રથમ વખત અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાશે. આ સ્ટેડીયમ સવા લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ છે. 29મી પૂર્વે 27મીએ ક્વોલીફાયર-2 મેચ પણ રમાવાની છે. આઈપીએલના આ બે મહત્વપૂર્ણ હાઈવોલ્ટેજ મુકાબલા પૂર્વે જબરદસ્ત ક્રિકેટ ક્રેઝ સર્જાયો છે. કારણ કે તેમાં ક્રિકેટ અને બોલિવૂડનું સંગમ થવાનું છે. ફાઈનલ મેચ પૂર્વે 50 મિનિટનો પૂર્ણાહુતિ સમારોહ યોજાવાનો છે, જેમાં 300 કલાકારો ભાગ લેવાના છે. એ.આર.રહેમાન અને રણવીરસિંહ ઉપરાંત આમિર ખાન પણ પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે હાજર રહે તેવી શક્યતા છે. અન્ય કેટલાંક બોલિવૂડ કલાકારો પણ હાજર રહેશે.
એ.આર.રહેમાન ખાસ સંગીત પીરસશે
એ.આર.રહેમાન ભારતીય ક્રિકેટનાં 75 વર્ષ અને આઝાદીના 75 વર્ષના ઉપલક્ષ્યમાં ખાસ સંગીત પીરસશે. રણવીરસિંહ ડાન્સ પરફોર્મન્સ આપશે. તેની કોરિયોગ્રાફી શ્યામક દાવર દ્વારા કરવામાં આવી છે. ફાઈનલમાં પ્રથમ જ વખત આઈપીએલ રમનારી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી હોવાથી ગુજરાતી ક્રિકેટ પ્રસંશકો એકદમ ઉત્સાહમાં છે.
ફ્લાઈટ ટિકિટ-હોટલ રૂમના ભાડાં ડબલ થયા
દેશભરમાંથી ક્રિકેટ ચાહકો IPLની ફાઇનલ મેચ જોવા માટે આવવા ના હોવાથી અમદાવાદની હોટલ અને ફલાઈટના ભાડા પણ ઘણા વધી ગયા છે. અમદાવાદમાં આવક-જાવકના વિમાની ભાડામાં મોટો વધારો થયો છે. મુંબઈ-દિલ્હી-બેંગ્લોર-જયપુર અને લખનૌનાં ટિકિટ ભાડા લગભગ ડબલ થઇ ગયા છે. રૂ.11,500થી રૂ.16,500ના ટિકિટ ભાડા થયા છે. અમદાવાદની તમામ હોટલનાં રૂમના ભાડાં રૂ.8000થી વધી ને રૂ.15,000 સુધી પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

source by – divyabhaskar.co.in

Leave a comment