એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

રવિવારે શાનદાર મહામુકાબલો થશે

ભારત અને પાકિસ્તાન મેચ. આ સાંભળીને બંને દેશના ક્રિકેટ ચાહકો આનંદથી ઝૂમી ઊઠે છે. ભલે બંને ટીમો એકબીજા સામે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમતી નથી, પરંતુ વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મેગા ટુર્નામેન્ટમાં બંને વચ્ચે સામનો જરૂરથી થાય છે. 28 ઓગસ્ટ બાદ ફરી એકવાર 4 સપ્ટેમ્બરે બાબર અને રોહિતની સેના એકબીજા સામે ટકરાશે. દુબઈના મેદાનમાં આ રોમાંચક મહામુકાબલો થશે. 

પહેલી મેચમાં ભારત 5 વિકેટ જીત્યું

એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટ હરાવ્યું હતું. પાકિસ્તાને આપેલા 148 રનના પડકારને ટીમ ઈન્ડિયાએ 2 બોલ રાખીને 5 વિકેટે પાર પાડી લીધો હતો. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન કર્યા હતા. આ ઉપરાંત તેણે 3 વિકેટ પણ લીધી હતી. તો રવીન્દ્ર જાડેજાએ 35 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. બોલિંગમાં ભુવનેશ્વર કુમારનો કરિશ્મા જોવા મળ્યો હતો. તેણે 4 ઓવરમાં 26 રન દઈને 4 વિકેટ ઝડપી હતી

ભારત અને પાકિસ્તાન આજસુધી એશિયા કપની ફાઈનલમાં ટકરાઈ નથી
ક્રિકેટનું મહાયુદ્ધ એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ. આ બન્ને ટીમને લઈને બન્ને દેશોના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. જોકે અત્યાર સુધીના એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ નથી. બન્ને ટીમ લીગ મેચમાં જ આમને-સામને ટકરાઈ છે. આ દરમિયાન ભારત 7 વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યું છે, જ્યારે પાકિસ્તાન 3 વખત ચેમ્પિયન બન્યું છે.

Leave a comment